નકલી નકશાની પીડીએફ વાયરલ થયા અંગે સૌપ્રથમ “સંપત્તિ ટાઇમ્સે” ધ્યાન દોર્યું’તુ
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નકલી નકશાએ ભારે ભ્રમ ફેલાવતા અંતે રૂડાએ સ્પષ્ટતા કરી કહ્યું આ નકશો નકલી છે
રૂડાના નામનો નકશો તૈયાર કરનાર અને વાયરલ કરનાર સામે કાનુની કાર્યવાહી કરાશે
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂડા) માં આસપાસના ગામડાઓનો સમાવેશ થઈ ચૂક્યો હોય તેવા નકશા સાથેની પીડીએફ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. જે બાબત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ‘‘સંપત્તિ ટાઇમ્સ’’ આ અંગે સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું. વાયરલ થયેલી આ પીડીએફની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. દરમિયાન હવે આ મુદ્દે રૂડા તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને જે પીડીએફ વાયરલ થઈ છે તેમાં દર્શાવેલો નકશો અને તેની વિગતો તથ્યવિહીન હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં આ પ્રકારની પીડીએફ વાઇરલ કરનાર સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવા પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) ના નામનો બોગસ નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ નકશામાં રાજકોટ નજીકના 24 ગામને રૂડામાં સમાવેશ કર્યો હોવાનું દર્શાવાયું છે. નકલી નકશો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બિલ્ડર-આર્કિટેક અને વકીલો પણ દ્વિધામાં મુકાયા ગયા છે. નકલી નકશામાં એકાએક રૂડાની ચારેય દિશામાં હદનો વધારો કરી દેવામાં આવ્યો છે.
કોઈ શખસે રૂડાનો નવો નકશો તૈયાર કર્યો છે. અત્યારે રૂડામાં 48 ગામનો સમાવેશ છે. રૂડાની હદ 512 સ્કવેર કિલોમીટર સુધી છે, તેમાં કોઈએ નવા 24 ગામનો ઉમેરો કરી નવો નકશો ફરતો કર્યો છે. આ નકશો શહેરના અગ્રણી વકીલ તેમજ આર્કિટેકના ગ્રુપમાં મુકવામાં આવતા વકીલ, બિલ્ડરોએ આ નકાશાની વિશ્વસનીયતાને લઇ ચર્ચા જાગી હતી.આ વાત સંપત્તિ ટાઇમ્સ સુધી પહોંચતા અમારા તરફથી આ નકશાને લઇ તપાસ કરવામાં આવતા આ નકશો બનાવટી હોવાનો અને ચોક્કસ ઇરાદો બર લાવવા માટે આ પ્રકારનો ભ્રમિત કરતો નકશો તૈયાર કરી ઇન્ટરનેટ પર વહેતો કરવામાં આવ્યો હોવાના સંકેત સાથેના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતાં.
રૂડાના નામે તૈયાર કરાયેલા અને વાઇરલ થયેલાઆ બનાવટી નકશાના પ્રકરણને લઇ હદે ખુદ રૂડા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બનાવટી નકશાથી કોઇએ ભ્રમિત થઇ નિર્ણય ન લેવો કોઇપણ મુંઝવણ હોય તો રૂડાનો સંપર્ક કરવો તેવું જણાવવામાં આવ્યું છે.
બનાવટી નકશામાં કયાં ગામનો સમાવેશ ?
આ બનાવટી નકશામાં રૂડાની હદમાં રાજકોટ, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા તાલુકાના ગામોનો સમાવેશ રૂડામાં કરી દેવામાં આવ્યો છે. તેમાં મોરબી રોડ ઉપરના કાગદડી, બેડી, હડાળા, પડધરીના અડબાલકા, ઉકરડા, ડુંગરકા, મોવિયા, રામપર મોટા, ખંભાળા, ઢોકળીયા, ગોંડલ રોડ ઉપરના રીબડા, ગુંદાસરા, અરડોઈ, હડમતાળા, કોટડાસાંગાણી, પીપળીયા, ભુણાવા, હિરાસર, રામપરાબેટી, કુચિયાદળ, સાયપર સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્યાદા નહીં, સૂત્રધાર ઝડપાઇ તે જરૂરી
વાયરલ થયેલા નકશાને લઇ રૂડાના સીઇઓ જી. વી.મીયાણીએ જણાવ્યું હતું કે, બે દિવસથી સોશિયલ મીડિયામાં ફરે છે તે રૂડાનો નકશો નકલી છે. કોઈએ રૂડાના લોગા સાથે નકલી નકશો બનાવ્યો છે. નકલી નકશામાં રાજકોટ નજીકના અમુક વધારાના ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ બોગસ નકશો ફરતો કરનાર વ્યક્તિને શોધીને કડક પગલાં લેવામાં આવશે. રાજકોટ પોલીસની સાઇબર ક્રાઇમની બાહોશ ટીમ આ સમગ્ર પ્રકરણ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી વાયરલ થયેલા આ નકશા મામલે માત્ર પ્યાદાઓ નહીં માસ્ટર માઇન્ડને શોધી કાઢી તે જરૂરી છે.
બનાવટી નકશો બનાવવનો ઇરાદો શું?
રૂડાના નામનો બનાવટી નકશો તૈયાર કરી તેને સોશિયલ મીડિયમાં વાયરલ કરવા પાછળનો ઇરાદો શું હોઇ શકે તે અંગે રિયલ એસ્ટેટ માર્કેટમાં તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. રાજકોટ આસપાસના ગામનો રૂડામાં સમાવેશ કરી અહીંના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવાનો હેતું હોઇ શકે? અથવા તો બીનખેતીની પ્રક્રીયા ઝડપથી થાય તેવા ઇરાદો પણ હોઇ શકે? જે હોય તે પણ આવા બનાવટી નકશાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી છે.
Leave a Reply