પાછલા 5 વર્ષમાં 1329 અરજીમાંથી 817 મંજૂર : 2022માં સૌથી વધુ 213 જ્યારે 2024માં 198 મિલકતના ખરીદ-વેચાણને મંજૂરી
અમદાવાદના અશાંત જાહેર કરાયેલા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયે છેલ્લા પાંચ વર્ષમાં હિન્દુઓ પાસેથી 817 મિલકત ખરીદી છે, તે પણ કલેક્ટર કચેરીની મંજૂરી બાદ. 2020થી 2024 વચ્ચે આપવામાં આવેલી 1329 અરજીઓમાંથી માત્ર 61 ટકાને મંજૂરી મળવી, પ્રક્રીયાની કડકાઈ દર્શાવે છે. આ પ્રક્રિયામાં પોલીસ, રેવન્યુ અને સોસાયટીના અભિપ્રાયો બાદ જ સોદાને લીલી ઝંડી મળતી હોય છે.

2020થી 2024ના 5 વર્ષના ગાળા દરમિયાન અશાંતધારા હેઠળ આવતાં શહેરના વિસ્તારોમાં હિન્દુઓ પાસેથી મિલકત ખરીદવા મુસ્લિમોએ 1329 અરજી કરી હતી. પોલીસ પાસેથી અભિપ્રાય મેળવ્યા બાદ કલેક્ટર કચેરીએ 817 અરજી મંજૂર કરી હતી. અર્થાત્ હિન્દુઓ પાસેથી મુસ્લિમોએ આ 817 મિલકત ખરીદી હતી. વિવિધ કારણોને ધ્યાનમાં રાખી 512 અરજી નામંજૂર કરવામાં આવી હતી. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મળીને કુલ 31 વિસ્તારના 1171 જગ્યાને અશાંતધારા હેઠળ મૂકાયા છે. આ તમામ વિસ્તારમાં મુસ્લિમોએ હિન્દુઓ પાસેથી મિલકત ખરીદવી હોય તો કલેક્ટર કચેરીમાંથી મંજૂરી મેળવવી પડે છે. જો મંજૂરી મેળવ્યા વગર કોઈ સોદો કરવામાં આવે તો રદ થાય છે. હિન્દુ માલિક કોઈ દબાણ હેઠળ મિલકત નથી વેચતો તેમજ જંત્રી દરથી ઓછા ભાવે પણ વેચાણ ન થાય તેની ખાસ ચકાસણી કરાય છે. આ કારણોને ધ્યાનમાં રાખીને અશાંતધારાની જોગવાઈઓનો શહેરમાં અમલ કરવામાં આવતો હોય છે.
2022માં સૌથી વધુ 213 જ્યારે 2024માં 198 મિલકતના ખરીદ-વેચાણને મંજૂરી
1. પોલીસ પાંચ પાડોશીઓના નિવેદન લે છે, જેમાં તેઓની સમસ્યા જાણવામાં આવે છે.
2. મિલકત વેચનાર વ્યક્તિ દબાણ હેઠળ કે જંત્રીના દરથી ઓછી કિંમતે મિલકત નથી વેચતો તેનું મૂલ્યાંકન કરાય છે.
3. અમુક કિસ્સામાં સોસાયટી કમિટીના સભ્યોનો અભિપ્રાય લેવામાં આવે છે.
4. વિસ્તારનું ધાર્મિક સંતુલન ખોરવાય છે કે નહીં તેનું ધ્યાન રખાય છે.
5. મિલકત વેચનાર અને ખરીદનાર બંને વ્યક્તિઓનો નિવેદન લેવામાં આવે છે.
ગત વર્ષે મિલકત વેચાણની 122 અરજી નામંજૂર કરાઈ હતી
વર્ષ | અરજી | મંજૂર | નામંજૂર |
2024 | 320 | 198 | 122 |
2023 | 290 | 173 | 117 |
2022 | 334 | 213 | 121 |
2021 | 198 | 121 | 77 |
2020 | 187 | 112 | 75 |
કુલ | 1329 | 817 | 512 |
અશાંતધારા હેઠળ પૂર્વ અને પશ્ચિમના 31 વિસ્તારના 1171 સ્થળોને અશાંત જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં મુસ્લિમ, હિન્દુની મિલકત ખરીદે તો જોગવાઈ લાગુ પડે છે.
અશાંત વિસ્તારોમાં પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે આ પ્રક્રિયા છે
અશાંત વિસ્તારના તમામ પ્રોપર્ટી માલિકોએ વેચાણ માટે કલેક્ટરને અરજી કરવી પડે.
વેચનાર સેલ ડીડ સાથે અરજી જાહેર કરે છે કે તે સંમતિથી અને યોગ્ય કિંમતે પ્રોપર્ટી વેચે છે.
સેલ ડીડમાં બંને પક્ષકારના ધર્મનો ઉલ્લેખ કરવો પડે છે. જો વેચાણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે હોય તો કલેક્ટર ચકાસણી કરી મંજૂરી આપે છે.
હિન્દુ-મુસ્લિમ વચ્ચે સોદો હોય તો પોલીસ અને રેવન્યૂ વિભાગની તપાસ જરૂરી છે.
પોલીસ કમિશનર તપાસ કરી ટ્રાન્સફર અંગે તેમનો અભિપ્રાય આપે છે.
સ્થાનિક પીઆઈ બંને પક્ષકાર અને બે પડોશી સાક્ષીને બોલાવી ખાતરી કરે છે કે વેચાણ સામે કોઈ વાંધો છે કે નહીં.
રેવન્યૂ મામલતદાર સમાંતર તપાસ કરી સર્કલ ઓફિસરને સત્તા આપે, જે તલાટી નિમે છે.
તલાટી પ્રોપર્ટીનો જન્મ રેકોર્ડ ચેક કરે છે. પોલીસ-રેવન્યુ ખાતાના રિપોર્ટ પછી કલેક્ટર કચેરી ખરીદનાર-વેચનારની સુનાવણી કરે છે.
અશાંતધારાનો ઈતિહાસ
1996માં કોટ વિસ્તારના મર્યાદિત એરિયામાં જ અશાંતધારો અમલમાં હતો.
1994 અને 1997 વચ્ચે એક પછી એક જાહેરનામા બહાર પાડી વેજલુપર, એલિસબ્રિજ, મેઘાણીનગર, નવરંગપુરાના વિસ્તારોનો ઉમેરો.
1997-2007 વચ્ચે વટવાના વિસ્તાર સમાવાયા.
2013માં ગોમતીપુર, રખિયાલ, સરસપુર, નરોડા, મેઘાણીનગર અને અસારવાના મિલ વિસ્તારો, ઈસનપુરનો દક્ષિણ-પૂર્વ પટ્ટો, બહેરામપુરા, વટવા અને દાણીલીમડાના વિસ્તારોનો ઉમેરો.
2013માં જુહાપુરા, વેજલપુર, મકરબા, વાસણાનો સમાવેશ. 2018માં સરખેજ-મક્તમપુરાનો એરિયા 11.65 ચોકિમીથી બમણો થયો.
Leave a Reply