Sampatti Times Real Estate Newspaper

Advertisement

વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ સ્થાપવાની વિજયભાઈ ડોબરિયાની સદભાવના

new3 2

👉 દરેક રૂમમાં ૫-સ્ટાર હોટલ જેવી સુવિધાઓ સાથે માવતરનું જીવતર સુધરશે

👉 રાજકોટના જામનગર રોડ પર આવેલું સદભાવના વૃદ્ધાશ્રમ એટલે માત્ર આધુનિક સુવિધાઓથી સંપન્ન હાઈટેક વૃદ્ધાશ્રમ નહીં, પરંતુ સેવાના મંદિર સમું સ્થાપત્ય

👉 ૫૦૦૦થી વધુ વૃદ્ધોની દેખરેખ થઈ શકે તેવા આ પ્રોજેક્ટમાં કુલ ૧૪૦૦ રૂમો બનાવવા ૭ બિલ્ડિંગ્સનું નિર્માણ કરવામાં આવશે, જેમાં એક બિલ્ડિંગમાં ૧૧ માળ હશે

👉 ૫૦૦ સ્ક્વેર ફૂટ જગ્યા વાળા દરેક સ્પેસિયસ રૂમમાં ૪ વડીલોને રહેવા માટે પર્યાપ્ત જગ્યામાં ૪ સેટી, સોફા અને કબાટ સહિત હવા-ઉજાસની સુવિધાઓ હશે, બિલ્ડિંગની વધારાની સુવિધાઓમાં ગાર્ડન અને આરોગ્ય ભવનનો સમાવેશ થાય છે, જ્યાં ૨૪ કલાક ડોક્ટરની ટીમ હાજર રહેશે અને વડીલોને પ્રાથમિક સારવાર આપવામાં આવશે

👉 ‘અમારે માવતર જોઈએ છે’ના સેવામંત્ર સાથે ૧૦ વર્ષ પહેલા વિજયભાઈ ડોબરિયાએ સદભાવનાની જ્યોત જલાવી, જ્યાં આજે ૬૦૦ વડીલોનું ઘર છે

રાજકોટ : અમારે માવતર જોઈએ છેના સેવામંત્રને સાર્થક કરતાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના જામનગર રોડ પર વિશ્ર્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ તરીકે જાણીતું થયું છે. આ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત વિજયભાઈ ડોબરિયાએ આજથી ૧૦ વર્ષ પહેલા બીમાર, કેન્સર, પેરાલાઈઝ્ડ હોય કે જેમની કોઈ સેવા ન કરી શકે તેવા વૃદ્ધોને અહીં ખાસ આશ્રય આપવા માટે કરી હતી. આજે દસ વર્ષ બાદ આ વૃદ્ધાશ્રમમાં ૬૦૦ વડીલો છે, અને હવે ૫૦૦૦ માવતરનું જીવતર સુધારવા માટે વિજયભાઈ ડોબરિયા અનન્ય સાહસ કરી રહ્યા છે.

સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ – જામનગર રોડ પર ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સદભાવના વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. અત્યારે એક બિલ્ડિંગનું કામ પૂર્ણ થવામાં છે, એક બિલ્ડિંગમાં ૧૯૨ રૂમ બનાવવામાં આવ્યા છે, અને એ બિલ્ડિંગમાં આગામી ૧ એપ્રિલથી ૭૦૦ વડીલો રહી શકે તેવી વ્યવસ્થા શરૂ થઈ જશે. ઉપરાંત વૃદ્ધાશ્રમમાં પ્રસાદભવન અને ઓડિટોરિયમ પણ તૈયાર થઈ જશે. દર વર્ષે ૨ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી ૫ વર્ષમાં આખો પ્રોજેક્ટ પૂરો થઈ જશે.

વિજયભાઈએ ૫ જૂન ૨૦૧૪થી પોતાના ગામ એટલે કે પડધરી તાલુકાના ફતેપુર ગામથી વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. આજે, ૩૦ લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેમના લક્ષ્યાંક છે કે, આગામી ૫ વર્ષમાં ૧૦૦૦ ટ્રેક્ટર, ૧૦૦૦ પાણીના ટેન્કર અને ૫૦૦૦ કર્મચારીઓ સાથે ૧૫૦ કરોડથી વધારે વૃક્ષો વાવીને આખા ભારતને ગ્રીન બનાવવું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલોની સાથે સાથે લાચાર, રખડતા અને બીમાર શ્ર્વાન અને બળદોની પણ ખુબ સારી રીતે સેવા કરવામાં આવે છે. નવી ગૌશાળાને બદલે અમે બળદ માટે આશ્રમ ખોલવાનું નક્કી કર્યું હતું. તેની પાછળનું કારણ છે કે, પહેલાના સમયમાં ટ્રેક્ટર ન હતા એટલે બળદ દ્વારા જ કામ કરાવવામાં આવતું હતું, બળદ ખેડૂતોનો સાથી રહ્યો છે. આ બળદોની સેવા કરવા માટે અમે બળદ આશ્રમ શરૂ કર્યો છે. બળદ આશ્રમમાં ૫૦૦થી વધુ બળદોને સાચવવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ૧૬૦૦ બળદને આજીવન આશરો આપી દેખભાળ કરવાની નેમ લીધી છે.

જેમ ગાયો માટે ગૌશાળા ચાલે છે, એમ હવે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે બળદો માટે આશ્રમ ખોલી સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડી છે. એટલું જ નહીં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું કાર્ય પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *