હાલમાં કાર્યરત અનેક એવા મહત્વના પ્રોજેક્ટ છે જે સમયમર્યાદા પુરા થયા નથી
માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ સમયસર પુરા ન થવાની નકારાત્મક અસર શહેરના વિકાસ પર પડી રહી છે
મેટ્રો શહેર ભણી આગેકૂચ કરી રહેલા અમદાવાદના વિકાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરી અંતરાયરૂપ બની રહી છે.શહેરના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ સમયસર પૂરા ન થવાને લીધે અમદાવાદવાસીઓને અસુવિધાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં હાલમાં કાર્યરત અનેક એવા મહત્વના પ્રોજેક્ટ છે જે પોતાની સમયમાર્યાદા ચૂકી ગયા છે.કેટલાક પ્રોજેક્ટ હજુ કયારે પુરા થશે તે વિશે પણ કોઇ સ્પષ્ટ જવાબ મહાનગર પાલિકા પાસે નથી. આ સ્થિતિમાં અમદાવાદના વિકાસ પર અસર પડી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડેવલપમેન્ટ પ્રોજેકટ્સને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે. ઘણા વર્ષોથી, ફ્લાયઓવર, રસ્તાઓ અને તળાવના વિકાસ જેવા પ્રોજેક્ટમાં વિલંબ થયો છે, જેના પરિણામે શહેરના રહેવાસીઓને અસુવિધાનો અનુભવ કરી રહ્યા છે.
શહેરના નારણપુરામાં પલ્લવ જંકશન ખાતે રૂ. ૧૦૪ કરોડનો ફ્લાયઓવર, વાડજ સ્મશાનગૃહ વિકાસ પ્રોજેક્ટ, વસ્ત્રાપુર તળાવ વિકાસ પ્રોજેક્ટ, સોલા સાયન્સ સિટી રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ચાંદલોડિયા મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટ તેમની સમયમર્યાદા ચૂકી ગયા છે, જેના કારણે પ્રજા માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ, એએમસીએ ટીપી સ્કીમ ૪૫ હેઠળ ચાંદલોડિયા વોર્ડમાં સિલ્વર સ્ટાર ક્રોસરોડ્સ પાસે ૫,૦૦૦ ચોરસ મીટરના પ્લોટ પર મલ્ટિ-લેવલ પાર્કિંગ બનાવવા માટે ઠરાવ ૩૨૬ મંજૂર કર્યો હતો. સ્થાયી સમિતિએ ૭ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ પ્રોજેક્ટ માટે તેની મંજૂરી આપી હતી. જો કે, પ્લોટના કબજાને લઇ કામ શરૂ થઈ શક્યું ન હતું. ત્યારબાદ મલ્ટિ-લેવલ પાર્કિંગની સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ કરવાની યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો.
એએમસીએ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પ્લોટનો કબજો લીધો હતો અને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે, કોવિડ-૧૯ રોગચાળાએ પ્રોજેક્ટમાં વિલંબ કર્યો. મલ્ટિ-લેવલ પાર્કિંગ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટેની સમયમર્યાદા જૂન ૨૩, ૨૦૨૩ સુધી ધકેલી દેવામાં આવી હતી, પરંતુ પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે. ચાંદલોડિયામાં પાર્કિંગની જગ્યાની ભારે જરૂરિયાત હોવા છતાં, મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ હજુ પૂર્ણ થયું નથી.જેના પરિણામસ્વરૂપ લોકોને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં આજે આસપાસ નાના શહેરો કે નગર અને ગામમાંથી જ નહીં પણ અન્ય રાજયોમાંથી પણ લોકો વસવા માટે આવી રહ્યા છે.જેની પાછળનું કારણ છે આ શહેરના વિકાસની ગતિ. જેના થકી અહીં રોજગારીની વિપુલ તકો ઉભી રહી છે.રોજગારની શોધમાં અને સારી જીવનશૈલીની તલાશમાં લોકો અમદાવાદમાં સ્થાયી થઇ રહ્યા છે.જે પ્રમાણમાં શહેરની વસતીમાં વધારો થઇ રહ્યો તેની સરખામણીએ શહેરમાં માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવવી એ તંત્ર માટે પડકાર છે તેવામાં પણ જો સમયસર વિકાસલક્ષી પ્રોજેક્ટ પુરા ન થાય તો તેની અસર ચોક્કસપણે શહેરની વિકાસની ગતિ પર અસર કરે છે. ત્યારે એએમસીએ પોતાના પ્રોજેક્ટ પુરા કરવાને લઇ ઝડપ વધારવી જરૂરી બની જવા પામ્યું છે. જેથી કરીને નાગરિકોને અસુવિધાઓનો સામનો કરવો ન પડે.
Leave a Reply