કરારની શરતોનો ભંગ કરી, માલિકની મંજૂરી વિના ભાડુઆત હેતુફેર કરે તો માલિક પોતાની મિલ્કત ખાલી કરાવી શકે : હાઈકોર્ટ
ભાડુઆતને મિલ્કત ખાલી કરાવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને હાઈકોર્ટે બહાલ રાખ્યોઃ માલિકની સિવિલ રિવીઝન અરજી પણ મંજૂર
ગુજરાત હાઈકોર્ટે ભાડા કરારની શરતોના ભંગ અંગે મહત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, મિલ્કત માલિકની મંજૂરી વિના ભાડુઆત મિલ્કતના ઉપયોગનો હેતુ બદલી શકે નહીં. અમદાવાદના એક કેસમાં ભાડુઆતે સાયકલ રિપેરના ધંધા માટે લીધેલી મિલ્કતનો ઉપયોગ સીટ કવર અને ઓટોમોબાઈલ એસેસરીઝના વ્યવસાય માટે કરતાં ઉભો થયેલો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જસ્ટિસ સંજીવ ઠાકરે મિલ્કત માલિકની સિવિલ રિવીઝન અરજી મંજૂર કરી, ટ્રાયલ કોર્ટના મિલ્કત ખાલી કરાવવાના હુકમને યથાવત રાખ્યો અને ભાડુઆતની દલીલોને ફગાવી દીધી હતી.

ભાડુઆત દ્વારા ભાડા કરારની શરતોનો ભંગ કર્યો હોય તો શું મિલ્કત માલિક પોતાની મિલ્કત ખાલી કરાવી શકે એ મતલબના ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થેયેલા કાયદાકીય મુદ્દાનો પ્રત્યુત્તર જસ્ટિસ સંજીવ ઠાકરે હકારાત્મક આપ્યો હતો અને ઠરાવ્યું હતું કે, મિલ્કત માલિકની મંજૂરી કે પરવાનગી વિના ભાડુઆત જે હેતુ માટે મિલ્કત અપાઇ હતી તે હેતુ કે વેપાર બદલી શકે નહી. આ સંજોગોમાં ભાડા કરારની શરત ભંગ બદલ મિલ્કત ખાલી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખ્યો હતો.
આ કેસમાં અમદાવાદના એક મિલ્કત માલિકે પોતાની મિલ્કત સાયકલ રિપેરના ધંધા માટે ભાડુઆતને આપી હતી અને તે અંગે કાયદેસર ભાડા કરાર(શરતો સાથેનો) કર્યો હતો. જો કે, બાદમાં ભાડુઆતે મિલ્કતના ઉપયોગનો હેતુ બદલી સીટ કવર અને એસેસરીઝના વ્યવસાય માટે કરતાં વિવાદ ટ્રાયલ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં ટ્રાયલ કોર્ટે હુકમથી ભાડુઆતને વ્યવસાયિક મિલ્કત ખાલી કરવા અંગેનો હુકમ કર્યો હતો. જો કે, એપેલેટ બેંચે આ હુકમ રદ કરતાં મિલ્કત માલિકત તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સિવિલ રિવીઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, જસ્ટિસ સંજીવ ઠાકરે અરજદાર મકાન માલિકની રિવીઝન અરજી ગ્રાહ્ય રાખી ટ્રાયલ કોર્ટના મિલ્કત ખાલી કરાવવા અંગેના હુકમને બહાલ રાખ્યો હતો અને એપેલેટ બેંચના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો.
હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, ભાડા કરારની શરતોમાં સ્પષ્ટ હતું કે, મિલ્કતનો ઉપયોગ માત્ર ને માત્ર સાયકલ રીપેરીંગ વ્યવસાય માટે જ થવો જોઇએ અને અન્ય કોઇપણ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહી. કોર્ટ કમિશનરના રિપોર્ટ મુજબ પણ મિલ્કતનો ઉપયોગ સીટ કવર, નંબર પલેટ, ઓટોમોબાઇલ | એસેસરીઝના વ્યવસાય માટે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
ભાડુઆત તરફથી બચાવ કરાયો હતો કે, શહેરના વ્યવસાયમાં અને સમાજ તથા વિકાસની સમગ્ર પરિસ્થિતિઓમાં ફેરફારના કારણે તેમના દ્વારા સાયકલ રીપેરીંગનો વ્યવસાય ચાલુ રાખી શકાયો ન હતો અને કારણ કે, સાયકલનો ઉપયોગ ઘટી રહ્યો હતો. તેથી તેઓ બીજો વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા. જો કે, હાઈકોર્ટે આ દલીલોને ફગાવતાં જણાવ્યું હતું કે, ભાડુઆત દ્વારા તેમની ઉલટતપાસમાં ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે, મિલ્કતના વિવાદીત સ્થળે તેઓએ પોતાનો ધંધો બદલવા માટે મિલ્કત માલિકની કોઈ પરવાનગી કે મંજૂરી લીધી ન હતી. મિલ્કત માલિકની પરવાનગી કે સંમંતિ વિના ભાડુઆત તેમને જે હેતુ માટે મિલ્કત આપવામાં આવી હતી, તે હેતુ સિવાય અન્ય કોઇ કામ માટે મિલ્કતનો ઉપયોગ કરી શકે નહી.
Leave a Reply