👉 બિલ્ડરો અને ખરીદદારો બંને માટે સરકારે શાંતિભર્યો રસ્તો પસંદ કર્યો છે
👉 અગાઉ સૂચિત 5-10 ગણા વધારો હવે હળવે પગલે અમલમાં આવશે, શરૂઆતમાં ફક્ત 25% વધારો
👉 દર વર્ષે 20-25% વધારાનો પ્લાન, આખરે 2024ના દરોની સમાનતા લાવવામાં આવશે
👉 નવા પ્લાન પ્રમાણે ભવિષ્યના 4-5 વર્ષોમાં જંત્રી દર ધીમે ધીમે 2024ના દરો સુધી પહોંચશે
👉 મોટો વધારો ટાળવા સરકારે લોકોને ગણતરીપૂર્વક વધારાની યોજના આપી
રાજ્યમાં જમીનના ઓફિશિયલ ભાવ તરીકે ઓળખાતા જંત્રી દરમાં એકસાથે મોટો વધારો લાદવાને બદલે, હવે ગુજરાત સરકાર દર વર્ષે હળવે હળવે દર વધારવાનો માર્ગ અપનાવવાનો મૂડમાં છે. અગાઉ 2023ના જંત્રી દરોને આધારે 2024માં ઘણી જગ્યાએ 5થી 10 ગણા વધારાની સૂચના આપવામાં આવી હતી, જે સામે લોકો અને બિલ્ડરો તરફથી ભારે વિરોધ થયો હતો. તેથી હવે સરકારે નિર્ણય કર્યો છે કે શરુઆતમાં ફક્ત 25%નો વધારો અમલમાં લાવવામાં આવશે અને પછી આદરેક વર્ષે 20-25% વધારાનો ક્રમ જારી રહેશે, જેનાથી 4-5 વર્ષમાં 2024ના સૂચિત દરોને હાંસલ કરી શકાય.
આ પગલાંથી તે વિસ્તારના લોકોને તો રાહત મળશે જ, સાથે જ જમીન ખરીદવા ઇચ્છુક લોકો માટે પણ બજાર થોડું સ્થિર બનશે. સરકાર ટૂંક સમયમાં આ બદલાયેલા પ્લાન અંગે અધિકૃત જાહેરાત કરશે.

ગુજરાત સરકારે જંત્રી દરોમાં થયેલા વધારા બાદ મળેલાં સૂચનોનો અભ્યાસ કરીને તેના આધારે અમલવારી કરવાનું નક્કી કર્યું છે. 2024માં સૂચિત જંત્રી દર અગાઉ 2023માં નક્કી થયેલાં બમણા દરો કરતાં અનેક શહેરી વિસ્તારોમાં 5થી 10 ગણા વધ્યા હતા, તેને બદલે હવે માત્ર તેમાં 25 ટકાનો વધારો કરાશે. ટૂંક સમયમાં સરકાર આ અંગેની જાહેરાત કરી શકે છે. જો કે આવતાં ચારથી પાંચ વર્ષમાં સરકાર વાર્ષિક 20થી 25 ટકાનો જંત્રી વધારો કરી તેને 2024ના સૂચિત દરોની લગોલગ લાવી દેશે. તે પછી દર વર્ષે જંત્રી દરોમાં 5થી 10 ટકાનો વધારો કરાશે. આમ, અગાઉ આનંદીબેન પટેલ જ્યારે મહેસૂલ મંત્રી હતાં ત્યારે તેઓએ 18 એપ્રિલ 2011ના રોજ નવા જંત્રી દર લાગુ કરતી વખતે જાહેરાત કરી હતી કે સરકાર દર વર્ષે 8 ટકા જેટલો વધારો જંત્રી દરમાં કરતી રહેશે. પરંતુ તે પછી આ જાહેરાત ભૂલાઇ હતી.
હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસે રહેલા મહેસૂલ વિભાગના પોર્ટફોલિયોમાં આ નિર્ણય લેવા જઇ રહ્યા છે.
સરકારના સૂત્રો જણાવે છે કે, જ્યારે સૂચિત જંત્રીના દર ઘણી જગ્યાએ 5થી 10 ગણા કરાયા તેથી તેને લઇને સરકારની અપેક્ષાથી વિપરીત પ્રતિક્રિયા આવી હતી કારણ કે આટલો વધારો લોકોને અસહ્ય લાગ્યો હતો. જો કે હાલ સરકારે આ પ્રસ્તાવિત વધારામાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. 2023માં કરાયેલા વધારાની સાપેક્ષે હવે માત્ર 25 ટકા વધારો જ અમલી કરાશે. પરંતુ સૂચિત વધારાને બેઝ રેટ તરીકે ગણીને તેટલો દર હાંસલ કરવા માટે સરકાર શરુઆતના વર્ષોમાં દર વર્ષે ક્રમબદ્ધ રીતે 20થી 25 ટકા જેટલો વધારો કરશે, તે પછી નિયમિત રીતે વાર્ષિક જંત્રી દરમાં 5થી 10 ટકાનો વધારો કરવામાં આવશે.
કેવી રીતે જંત્રી દરમાં ફેરફાર આવશે
ધારો કે 2023માં બમણાં કરાયેલાં જંત્રી દરોને કારણે તે 100 રૂપિયા થયાં છે. હવે તેમાં સૂચિત વધારો થતાં તે 500થી લઇને 1000 રૂપિયા સુધી કરાયાં છે. તેને બદલે હાલ પૂરતાં તેમાં 25 ટકા અનુસાર માત્ર 125 રૂપિયા જંત્રી દર લાગુ કરાશે, તેથી આ વધારો 2023ની સાપેક્ષે 250 રૂપિયાનો થશે. જો કે તે પછી સતત ચારથી પાંચ વર્ષ સુધી 20થી 25 ટકા વધતાં જશે અને નવેમ્બર, 2024માં જાહેર કરાયેલાં સૂચિત દરની બરાબર આવી જાય તે સુનિશ્ચિત કરાશે, તેથી એકસાથે બંપર વધારો લાગુ નહીં કરાય. પરંતુ એક વખત આ દર સૂચિત વધારા જેટલો થઇ જાય તે પછી દર વર્ષે તેમાં 5થી 10 ટકાનો વધારો કરાશે.
શહેર-ગામડાંની રજૂઆતો ધ્યાને રખાઇ
નવેમ્બરમાં એકસાથે વધેલા જંત્રીદરોને કારણે બિલ્ડરો રઘવાયા થયા હતા. તેઓએ આ સૂચિત દરોને ઘટાડવા વિરોધ પ્રદર્શનો કર્યાં. સરકારે વાંધાસૂચનો મોકલવા મહેતલ આપી તેથી તેમણે પોતાના વિસ્તારોમાં સૂચિત દરોમાં 50થી 75% સુધીનો ઘટાડો કરવા રજૂઆત કરી હતી. તેનાથી વિરુદ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ પોતાની જમીનોના ભાવ ઊંચા આવે તે માટે સૂચિત દરો કરતા પણ જંત્રી વધારવા સૂચન કર્યા હતા
Leave a Reply